પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશન હેઠળ માલુ ગામે કોવિડ મહામારી દરમિયાન ગેરકાયદે મંડળી રચી જીવલેણ હુમલો કરવાના કેસમાં હાલોલની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે ૯ આરોપીઓને દોષિત ઠેરવી ૬ માસની સાદી કેદ અને પ્રત્યેકને રૂ. ૪,૦૦૦ના દંડની સજા ફટકારી છે.
તા. ૩૦/૦૮/૨૦૨૦ના રોજ ફરિયાદી પોતાની જમીનમાં ખેડાણ કરતા હતા, ત્યારે આરોપીઓએ “જમીન નિશાળ માટે છે” કહી વિવાદ કર્યો હતો અને ફરિયાદી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે નજીકના ચેકડેમના પાણીમાં ફેંકી દેવાયા હતા. તેઓ બહાર આવતા આરોપીઓએ દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધા હતા. આરોપીઓએ તે સમયે કોરોના મહામારીના સરકારી જાહેરનામાનો ભંગ કરીને ટોળું પણ જમાવ્યું હતું.કોર્ટમાં સરકારી વકીલ આર.વાય. ત્રિપાઠીની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ પાંચમા એડિશનલ સેશન્સ જજ એસ.એમ. ક્રિષ્ટીએ તમામ ૯ આરોપીઓને તકસીરવાન ઠેરવી મહત્તમ ૬ માસની કેદ અને દંડની સજા સંભળાવી હતી.
