અવધ એક્સપ્રેસ | વડોદરા
સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનોને જરૂરી સહાય, માર્ગદર્શન અને પાયાની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે તા. ૦૨/૧૦/૨૦૨૬ ને શુક્રવારના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગરના સઘન માર્ગદર્શન હેઠળ નાયબ નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, વડોદરા દ્વારા સમાજ સુરક્ષા સંકુલ ખાતે “સેવા હી મેરા યોગદાન” અભિયાન અંતર્ગત દિવ્યાંગ સહાય વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૧૫૦ થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી સહાય પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગજનોને નિશુલ્ક બસ પાસ, દિવ્યાંગ લગ્ન સહાયના હુકમો, ટ્રાયસિકલ, જોયસ્ટિક સાયકલ, ટી.એલ.એમ. કીટ, કાંખઘોડી, અને હિયરીંગ એઇડ સહિતના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા દિવ્યાંગજનોને સમાજની મુખ્ય ધારા સાથે જોડી તેમના જીવનમાં આત્મનિર્ભરતા અને સશક્તિકરણ લાવવાના સઘન પ્રયાસોને આ કાર્યક્રમમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી ડૉ. જયપ્રકાશ સોની અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત વડોદરા મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી પાંખમાંથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીગણે પણ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોની સેવાને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી, આગામી સમયમાં આવા સેવાકીય કાર્યક્રમો નિયમિતપણે યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંત ભાગમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ઉપસ્થિત સૌ દ્વારા વ્યસનમુક્તિની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય મહેમાનોએ દિવ્યાંગ તથા બાળ કલ્યાણ સંસ્થાઓની મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. “સેવા હી મેરા યોગદાન”નો સંદેશ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તેવા દ્રઢ સંકલ્પ સાથે આ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
