રાણીપુરામાં મનરેગાનું કામ કાગળ પર પૂરું… સ્થળ પર ક્યાં ગયું?જોબકાર્ડમાં નામ એકનું, ફોટો બીજાનો હોવાના આક્ષેપ; લાભાર્થીઓ કહે છે—“અમારા નામે કામ થયું, પણ અમને ખબર જ નથી!”

સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગાના કામોને લઈને એવા આક્ષેપો સામે આવ્યા છે કે જેને પગલે સરકારી રેકર્ડ સામે હવે અનેક સવાલો ઊભા થયા છે. કાગળ પર કામ પૂરું, તો સ્થળ પર કામ ક્યાં છે?આ જ સવાલ સાથે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી મનરેગાના કામોની તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે અરજદારોના આક્ષેપ મુજબ, કેટલાક કામો સરકારી રેકર્ડમાં પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર કામ થયું હોવાના કોઈ સ્પષ્ટ નિશાન જોવા મળતા નથી. એટલે હવે સવાલ એ છે કે મનરેગાનું કામ સ્થળે થયું કે માત્ર ફાઇલોમાં જ પૂરું થઈ ગયું?

મસ્ટર રોલમાં હાજરી, માપપત્રકમાં માપ અને ફોટોગ્રાફમાં કામની તસવીરો… આ બધું ખરેખર જમીન પર થયેલા કામ સાથે મેળ ખાય છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.લાભાર્થીને જ ખબર નહીં, તો જોબ કોના નામે મામલાને વધુ ગંભીર બનાવતા રાણીપુરાના કેટલાક લાભાર્થીઓ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમનો દાવો છે કે તેમના નામે કોઈ જોબકાર્ડ બનાવ્યું જ નથી, છતાં રેકર્ડમાં તેમના નામે મનરેગાનું કામ કર્યાનું દર્શાવવામાં આવ્યું છે કેટલાક જોબકાર્ડમાં નામ એક વ્યક્તિનું અને ફોટો અન્ય વ્યક્તિનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
એટલે હવે સવાલ માત્ર એટલો નથી કે કામ થયું કે નહીં…
સવાલ એ પણ છે કે જો કામ કર્યું જ નથી તો હાજરી કોની? ફોટો કોનો? અને ચૂકવણી કોના આધારે?
લાભાર્થીઓના ખાતામાં કામ કર્યા વિના નાણાં જમા થયા છે કે કેમ, તેમજ VCE મારફતે નાણાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસની માંગ ઉઠી છે.
રેકર્ડ બોલશે કે સ્થળની હકીકત?
અરજદારોના જણાવ્યા મુજબ અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી થઈ નથી. હવે તેમની માંગ છે કે ફાઇલ નહીં, ફીલ્ડ પર જઈને તપાસ કરવામાં આવે.
મસ્ટર રોલથી લઈને જોબકાર્ડ, માપપત્રક, ફોટોગ્રાફ અને બેંક પેમેન્ટ સુધીના રેકર્ડની તપાસ કરવામાં આવે તો જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.
જો તપાસ દરમિયાન આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીનો પક્ષ જાણવા માટે સંપર્ક કરવામાં આવતા તેમણે કશું જ બોલવાનો ઇનકાર કર્યો હતો હવે જો ખરેખર રેકર્ડ અને સ્થળની હકીકત વચ્ચે કોઈ તફાવત નથી, તો તપાસમાં તે સ્પષ્ટ થઈ જશે… અને જો તફાવત છે, તો મનરેગાના કાગળોમાં થયેલું કામ જમીન પર કેમ દેખાતું નથી તેનો જવાબ પણ તપાસમાં જ સામે આવશે હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
