અવધ એક્સપ્રેસ l જૂનાગઢ,
લો બોલો, હવે તો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પણ ત્યાંથી જ ચોરી કરે છે તેવો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે.
જૂનાગઢના વિસાવદર પોલીસે મોટા પ્રમાણમાં કેબલ અથવાતો વાયરની ચોરીના એક કેસમા ચાર આરોપીની ધરપકડ કરી હતી. પાછલા 15-20 દિવસથી વિસાવદર બગસરા માર્ગ પર આવેલા 220 કિલો વોટ જેટકો કંપનીની ઓફિસ માંથી 5050 કિલો એલ્યુમિનિયમ કંડકટર ચોરી થયાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. સમગ્ર મામલામાં વિસાવદર પોલીસે જેટકોમાં કામ કરતા એક કર્મચારી અને હંગામી કર્મચારીની સાથે એક ડ્રાઇવર અને વિસાવદરના એક ભંગારીના વેપારીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિસાવદર પોલીસે પાછલા 15-20 દિવસથી વિસાવદર-બગસરા રોડ પર આવેલા 220 કિલો વોટ જેટકો કંપનીની ઓફિસ અને તેના સ્થળો પરથી 5,050 કિલો એલ્યુમિનિયમ કંડકટર કે જેની આજના દિવસે બજાર કિંમત 4,89,850 રુપિયા થવા જાય છે, તેની ચોરી થયાની ફરિયાદ જેટકો દ્વારા વિસાવદર પોલીસ મથકમાં દાખલ થઈ હતી. જેની તપાસ કરતા 20 દિવસ પછી એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમાં જેટકો કંપનીનો એક કર્મચારી પ્રદીપ વારા અને હંગામી કર્મચારી ક્રીશ ચુડાસમાની સાથે ભંગારનો વેપાર કરનાર જાવીદ મોદી અને એલ્યુમિનિયમ કંડકટર ભરીને ગાડીમાં લઈ જનાર ડ્રાઇવર સોહિલ ભુવરની વિસાવદર પોલીસે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
જેટકો કંપનીના તાબા નીચેની કચેરીમાંથી છેલ્લા લગભગ 20 દિવસ દરમિયાન અલગ અલગ દિવસે એલ્યુમિનિયમ કંડકટરની ચોરી થઈ હતી. દરરોજ વીજ વાયરના ઘટતા જથ્થાને લઈને જેટકો કંપનીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને અંતે પોલીસ ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલામાં કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. કાયમી અને હંગામી કર્મચારી દરરોજ થોડા થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ કંડકટર બોલેરો પીકઅપ વાનમાં નાખીને તેને વિસાવદરમાં ભંગારનો વેપાર કરતા એક ભંગારના વેપારીને વેચી નાખતા હતા.
કેબલ ચોરીના કેસ મુદ્દે પોલીસ તપાસમાં જેટકો કચેરીનો કર્મચારી જ સામેલ હોવાની વિગતો પોલીસને મળતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ 5,050 કિલો એલ્યુમિનિયમ કંડક્ટરની સાથે ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ બોલેરો પીકઅપ વાહન સહિત તમામ ચારેય આરોપીની ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 (2) 305 (ઈ) 306 317 (5) અને 54 મુજબ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
