૧૮ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૫૨મી જુનિયર નેશનલ એક્વાટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં વડોદરાના યુવા સ્વિમર માધવ નીલેશભાઈ દાઉદીયાએ શાનદાર પ્રદર્શન કરીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. DLSS યોજના હેઠળ તાલીમ મેળવતા માધવે બોયઝ ગ્રુપ I(B) 100 મીટર ફ્રીસ્ટાઇલમાં ૫૪.૪૨ સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ સિદ્ધિ તેની સફળ સ્વિમિંગ કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરે છે.
આજ સ્પર્ધામાં ભવ્ય સંજયભાઈ મહેતાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે બોયઝ ગ્રુપ I(A) 50 મીટર ફ્રીસ્ટાઇલમાં ૫મું સ્થાન અને 100 મીટર બેકસ્ટ્રોકમાં ૮મું સ્થાન હાસલ કર્યું હતું. ગર્લ્સ ગ્રુપ I(A) 200 મીટર ઇન્ડિવિઝ્યુઅલ મેડલેમાં અવનિ સિંહે ૮મું સ્થાન મેળવ્યું હતું.
સાથે ૬ થી ૯ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન જયપુર ખાતે યોજાયેલી ૪૨મી સબ-જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ ૨૦૨૬માં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમર્સે ભાગ લીધો હતો. સ્મૃતિ સિંહે ગર્લ્સ 50 મીટર અને 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ભાગ લીધો હતો. પ્રિશા પંચોલીએ ગર્લ્સ 50 મીટર ફ્રીસ્ટાઇલમાં, જ્યારે ચિરાગ નેગી યશપાલસિંહે બોયઝ 200 મીટર ઇન્ડિવિઝ્યુઅલ મેડલે અને 4×100 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં ભાગ લીધો હતો.
આ તમામ છ સ્વિમર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ તાલીમ મેળવે છે. તેઓ વિવેક સિંહ બોરલિયા અને ક્રિષ્ણા પંડ્યા પાસેથી કોચિંગ મેળવી રહ્યા છે, તેમજ સુબોધ કુમાર અને બિપિન કુમાર તેમને તાલીમમાં મદદરૂપ થાય છે.
જિલ્લા રમત વિકાસ અધિકારી (DSDO) વિસ્મય વ્યાસ અને જિલ્લા રમતગમત અધિકારી (DSO) દિનેશ કદમે તમામ સ્વિમર્સને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની મહેનત, શિસ્ત તથા સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે આ ખેલાડીઓને આગામી સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.
