વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટી ખાતે શ્રી ગણેશ મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી પર્યાવરણમૈત્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ મંડળનું આ ૧૧મું વર્ષ છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
આ વર્ષે મૂર્તિ બનાવવા માટે આશરે ૮૦થી ૮૨ કિલો નાડાછડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિ તૈયાર કરવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો છે, જેમાં મંડળના ૨૦થી ૨૫ જેટલા યુવાનો એ મહેનત કરી છે. મૂર્તિ બનાવવા પાછળ અંદાજિત રૂ. ૧૬,૭૦૦નો ખર્ચ થયો છે.
નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી તેનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ગત વર્ષે વડવાઈયો, પડિયા-પતરડા અને નાળિયેરની છાલ માંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી.
ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. પર્યાવરણમૈત્રી મૂર્તિ દ્વારા વધુને વધુ લોકો પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
શ્રી ગણેશ મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું નથી, જેથી પર્યાવરણ પર થતી વિસર્જનની અસરને પણ ટાળી શકાય. છેલ્લા ૧૦ વર્ષથી મંડળ દ્વારા આ પર્યાવરણમૈત્રી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
Add A Comment
