ગોધરા તા.
શહેરા માં મંગળવારની વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારના 8થી બપોરના 2વાગ્યા સુધીમાં માત્ર ૬ કલાકમાં ૫ ઇંચ વરસાદ થતા લોકોને વિધિવત ચોમાસાની ઋતુ બેસી ગઈ હોવાનો તીવ્ર અહેસાસ થયો હતો. મુસળધાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને ફરજિયાતપણે છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો.

શહેરામાં મંગળવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘ મહેર થતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું જ્યારે અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર બંને તરફ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી.ધોધમાર વરસાદના કારણે દૈનિક રોજગાર અને અંગત કામકાજ અર્થે નીકળેલા મુસાફરો તથા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત સ્થાનિકોને આ ધોધમાર વરસાદથી મોટી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક વ્યાપી ગઈ હતી.મામલતદાર કચેરીમાં આવેલ ડિઝાસ્ટર શાખામાં સવારના 08:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.5ઇંચ વરસાદથી સૌથી વધુ રાહત અને આનંદ ખેડૂત આલમમાં જોવા મળ્યો હતો. વાવણીલાયક અને પાક માટે સંજીવની સમાન સાબિત થયેલા આ વરસાદને કારણે ખેતરોમાં નવું જીવન સિંચાયું છે.આ વરસાદથી પાકને મોટું જીવનદાન મળશે તેવી આશા બંધાઈ હતી. વરસાદના કારણે નદી, કોતર, તળાવ અને જળાશયોમાં પણ નવા પાણીની સારી એવી આવક થઈ હતી.
…………………………………………
શહેરામાં ભારે વરસાદથી હાલાકી: પાનમ ડેમ તરફ જતો મુખ્ય માર્ગ બંધ
શહેરા તાલુકા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે ખોરવાયું હતું. પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો 20 ઉપરાંત ગામોને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થવા જતી એક XUV કાર ફસાઈ ગઈ હતી.
શહેરા ના પાનમ પાટીયાથી પાનમ ડેમ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલ પાડી વાછરડા ઉછેર કેન્દ્ર પાસે માર્ગ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. રસ્તા પર વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે પાનમ ડેમ અને ઊંડારા તરફના ૨૦થી પણ વધુ ગામોને જોડતો આ મુખ્ય વ્યવહારિક રસ્તો બંધ થઈ ગયો હતો. માર્ગ બંધ થતાં નોકરીયાતો, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.રસ્તા પર ભરાયેલા પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા, ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલી એક સફેદ રંગની XUV કાર વચ્ચે રસ્તે જ પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કાર પાણીમાં ડૂબી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર વધી રહેલા પાણીના સ્તર અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે રસ્તાની બંને બાજુ બેરિકેડિંગ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી કોઈ વાહનચાલક જોખમ ખેડીને આગળ જવાનો પ્રયાસ ન કરે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યારે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને વહેતા પાણીમાં વાહન ન ઉતારવાની અપીલ કરવામાં આવી હતી.
