મહિલાઓને આત્મનિર્ભર બનાવી આર્થિક રીતે સશક્ત કરવાના પ્રયાસો વચ્ચે દાહોદ શહેરનું ‘ઉત્સવ હેન્ડીક્રાફ્ટ સખી મંડળ’ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. શહેરના ઉકરડી રોડ પર પ્રજ્ઞાબેન ભટ્ટના નિવાસસ્થાને વર્ષ ૨૦૦૬માં શરૂ થયેલી આ પહેલ આજે ૫૦થી વધુ મહિલાઓને સ્વરોજગારીની તક પૂરી પાડી રહી છે. હસ્તકલાના કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરીને આ બહેનો પરિવારની આવકમાં યોગદાન આપી રહી છે.
ઉત્સવ હેન્ડીક્રાફ્ટ સખી મંડળની બહેનો પોતાની સર્જનાત્મકતા અને કારીગરીથી વિવિધ પ્રકારની આકર્ષક હસ્તકલાની વસ્તુઓ તૈયાર કરે છે. તેમાં કપડાની વિવિધ ચીજવસ્તુઓ, મોતીવાળી કટલરી, બહેનોને શણગાર માટે ગળાના વિવિધ પ્રકારના હાર, બંગડીઓ, નાના-મોટા પર્સ, ફાઇલ ફોલ્ડર, બેગ, મોતીની જ્વેલરી, ઘરની સજાવટ માટેનાં તોરણો અને પડદાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાંસમાંથી પેન-પેન્સિલ રાખવાનાં સાધનો તથા નાની વસ્તુઓ મૂકવા માટેનાં બોક્સ પણ બનાવવામાં આવે છે. બદલાતા સમય અને ફેશનને અનુરૂપ ચણિયાચોળી, કુર્તી અને શર્ટ જેવાં વસ્ત્રો પણ તૈયાર કરવામાં આવે છે.

મંડળ દ્વારા બનાવવામાં આવતી હસ્તકલાની વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ તેમજ ‘ટ્રાઈબ્સ ઇન્ડિયા’ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ તરફથી મળતા ઓર્ડર અને નવી ડિઝાઇનની માંગને અનુરૂપ બહેનોને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ગુણવત્તાયુક્ત અને બજારની જરૂરિયાતને અનુરૂપ વસ્તુઓ બનાવી શકે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓ તથા ‘સરસ મેળા’માં સખી મંડળની બહેનોને સ્ટોલની તક મળે છે. આ મેળાઓમાં તેમની હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થવાથી તેમને આવક મેળવવાની સાથે પોતાની કારીગરીને વધુ લોકો સુધી પહોંચાડવાની તક પણ મળે છે.
સખી મંડળનાં પ્રમુખ પ્રજ્ઞાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, “હાલમાં ૮ બહેનો એક જ સ્થળે રહીને નિયમિત કામ કરે છે, જ્યારે અન્ય ૫૦ જેટલી બહેનો પોતપોતાના ઘરે રહીને અનુકૂળ સમય પ્રમાણે કામ કરે છે. અમે તેમને જરૂરી કાચો માલ આપીએ છીએ અને તેઓ તૈયાર વસ્તુઓ બનાવીને પરત આપે છે. આ વ્યવસ્થાથી બહેનો ઘરકામની જવાબદારીઓ સાથે રોજગારી પણ મેળવી શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની જે મહિલાઓ હસ્તકલાના કામ સાથે જોડાઈને આત્મનિર્ભર બનવા ઇચ્છે છે, તેઓ સખી મંડળનો સંપર્ક કરી શકે છે. આવી ઇચ્છુક મહિલાઓને મંડળ દ્વારા નિઃશુલ્ક તાલીમ અને કામ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આમ, ‘ઉત્સવ હેન્ડીક્રાફ્ટ સખી મંડળ’ માત્ર હસ્તકલાની વસ્તુઓ બનાવવાનું કેન્દ્ર નથી, પરંતુ મહિલાઓની આવડતને ઓળખ આપી તેમને સ્વરોજગારી તરફ આગળ વધારતું અને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપતું માધ્યમ પણ બન્યું છે.
સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં અમે સ્ટોલ મૂકીએ છીએ જેનાથી અમારી પ્રોડક્ટનું વેચાણ થાય છે અને અમારા મંડળને ફાયદો થાય છે જેથી આ વેચાણ માટે અમને પ્લેટફોર્મ આપવા બદલ હું સરકારનો ખૂબ ખુબ આભાર માનું છુ.
