અવધ એક્સપ્રેસ | ગોકુળ પંચાલ
હાલોલ તાલુકાની ઈટવાડી ગ્રામ પંચાયતની હદમાં આવેલા છબાપુરા ગામની સીમમાં બિરાજમાન બાબા રામદેવપીરનું મંદિર આસપાસના વિસ્તારના ભક્તો માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. અહીં દર મહિનાની સુદ બીજના પવિત્ર દિવસે દૂરદૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નેજા સાથે પગપાળા સંઘમાં જોડાઈ બાબા રામદેવપીરના દર્શનાર્થે આવે છે. ભક્તોના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બની જાય છે.
બાબા રામદેવપીરના મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓમાં અતૂટ આસ્થા જોવા મળે છે. લોકમાન્યતા મુજબ, સંતાનપ્રાપ્તિ સહિતની વિવિધ મનોકામનાઓ પૂર્ણ થવાની આશા સાથે ભક્તો નેજા લઈને પગપાળા દર્શન કરવા આવે છે. દૂરદૂરથી આવતા શ્રદ્ધાળુઓ બાબા રામદેવપીરના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. દર સુદ બીજે ભક્તોની વધતી અવરજવર મંદિરની લોકપ્રિયતા અને ધાર્મિક મહત્ત્વને ઉજાગર કરે છે.
મંદિરની સેવા, સંભાળ અને દેખરેખમાં છબાપુરા ગામના વડીલો સોઢા પરમાર, ગણપતસિંહ, ભારતસિંહ, નરવતસિંહ, ગુલાબસિંહ અને શીવાભાઈ ભીમાભાઈ સહિતના લોકો યોગદાન આપી રહ્યા છે. જ્યારે મંદિરના પૂજારી રામજી અભય ગીરી ગોસાઈ અને કૈલાસગીરી ગોસાઈ દ્વારા નિયમિત આરતી, પૂજા-અર્ચના સહિતની ધાર્મિક વ્યવસ્થાઓ સંભાળવામાં આવે છે.
બાબા રામદેવપીરના દર્શને આવતા ભક્તો માટે દર મહિનાની સુદ બીજના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા-અર્ચનાની સાથે મહાપ્રસાદનો લાભ લે છે. ભક્તોની સેવા, સહકાર અને ધાર્મિક ભાવનાના કારણે મંદિર પરિસરમાં ભાઈચારો, એકતા અને ભક્તિનો માહોલ જોવા મળે છે.
* દર સુદ બીજે નેજા સાથે પગપાળા દર્શને ઉમટે છે ભક્તોનો મહેરામણ, ભક્તો માટે મહાપ્રસાદનું પણ થાય છે આયોજન
