અવધ એક્સપ્રેસ | દેહરાદૂન
હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા કેદારનાથ ધામની યાત્રા પર બે દિવસ માટે બ્રેક લગાવી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રાએ શનિવાર બપોરથી 27 સપ્ટેમ્બર સુધી કેદારનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે.
ખરાબ હવામાનની સીધી અસર હેલી સેવા પર પણ જોવા મળી હતી. શનિવારે કેદારનાથ ધામ માટેની હેલી સેવા સંપૂર્ણપણે બંધ રહી હતી. દેશ-વિદેશમાંથી ચારધામ યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને સાવચેતીના પગલાં લીધા છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રજવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દેહરાદૂન તરફથી જાહેર કરાયેલા હવામાન પૂર્વાનુમાનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે કેદારનાથ યાત્રા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
યાત્રા માર્ગના તમામ સેક્ટર અધિકારીઓ, ચેકપોસ્ટ અને સેક્ટર મેજિસ્ટ્રેટને પોતાના વિસ્તારમાં આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. હવામાન સામાન્ય થયા બાદ કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- યાત્રિકોની સુરક્ષાને લઈ જિલ્લા પ્રશાસનનો મોટો નિર્ણય, શનિવાર બપોરથી યાત્રા રોકાઈ
- ખરાબ હવામાનની થપાટઃ કેદારનાથ માટે હેલી સેવા પણ બંધ રહી
- હવામાન સામાન્ય થયા બાદ જ યાત્રા પુનઃ શરૂ થશે, ચેકપોસ્ટ-સેક્ટર અધિકારીઓને આદેશના પાલનની જવાબદારી
