મુંબઈ: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ફ્રેક્ચર થયું હોવાની માહિતી સામે આવી છે. અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્લાસ્ટર બાંધેલા પગનો ફોટો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે, સિદ્ધાર્થે આ ફોટો સાથે રમૂજી કેપ્શન પણ લખ્યું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
‘બ્રેક અ લેગ’ રૂઢિપ્રયોગને ગંભીરતાથી લઈ લીધો!
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્લાસ્ટર બાંધેલા પગનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે તેણે રમૂજી અંદાજમાં લખ્યું હતું કે, “મેં ‘બ્રેક અ લેગ’ને કંઈક વધારે જ ગંભીરતાથી લઈ લીધું.”
અંગ્રેજીમાં ‘બ્રેક અ લેગ’ શબ્દપ્રયોગનો ઉપયોગ સામાન્ય રીતે કોઈને સફળતા માટે શુભેચ્છા આપવા થાય છે. જોકે, સિદ્ધાર્થે આ શબ્દપ્રયોગને પોતાના પગમાં થયેલી ઈજા સાથે જોડીને રમૂજી અંદાજમાં રજૂ કર્યો હતો. અભિનેતાની આ પોસ્ટ સામે આવ્યા બાદ તેના ચાહકોમાં પણ આ અંગે ચર્ચા શરૂ થઈ છે.
કિયારા અડવાણી સાથે બીજા બાળકનું આગમન થવાનું
બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાણીના પરિવારમાં ખુશીનો માહોલ છે. આ દંપતીએ 7 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરીને બીજા બાળકના આગમનની ખુશખબર ચાહકો સાથે વહેંચી હતી.
પોસ્ટમાં સિદ્ધાર્થ અને કિયારા તેમની પુત્રી સરાયા સાથે નાનકડાં ગૂંથેલા બેબી બૂટીઝ પકડીને જોવા મળ્યાં હતાં. આ તસવીર દ્વારા દંપતીએ પોતાના પરિવારમાં નવા સભ્યના આગમનનો સંકેત આપ્યો હતો.
ચાહકોમાં પોસ્ટ ચર્ચાનો વિષય
સિદ્ધાર્થ અને કિયારાની આ જાહેરાતે ચાહકોને તેમની અગાઉની પ્રેગ્નન્સી જાહેરાતની યાદ અપાવી હતી. દંપતીએ અગાઉ પણ બાળકનાં પગરખાંની તસવીર શેર કરીને ખુશખબર આપી હતી.
હાલમાં સિદ્ધાર્થના પગમાં થયેલા ફ્રેક્ચર અને પ્લાસ્ટરવાળા પગની તસવીર ચર્ચામાં છે. જોકે, અભિનેતાને ઈજા કયા સંજોગોમાં થઈ અને તેમાંથી સાજા થવામાં કેટલો સમય લાગશે તે અંગેની વિગતો તેની પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવી નથી.
