અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરા લોકસભાના સાંસદ ડો. હેમાંગ જોષીની આગેવાની હેઠળ આયોજિત ‘વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ-૨૦૨૬‘માં શક્તિ, ઉપાસના અને ઉત્સાહના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવની વડોદરા શહેરમાં ચાલી રહેલી ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના રાજદ્વારીઓ અને મહાનુભાવો થનગનતા ખેલૈયાઓના પ્રચંડ ઉત્સાહ અને એકલયથી અભિભૂત થયા હતા. હિલોળે ચડેલા ખેલૈયાઓના થનગનાટને જોઈને પ્રભાવિત થયેલા રાજદ્વારીઓ ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. આ સાથે જ તેમણે જગ વિખ્યાત ગરબા મહોત્સવને કાયમી સંભારણું બનાવવા મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વિદેશી પ્રતિનિધિમંડળે રવિવારે બપોર બાદ પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ અખાડા પરિસરની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના પ્રારંભે અખાડા પરિસરમાં બાળકો દ્વારા મહારાષ્ટ્રીયન લેઝીમ પ્રદર્શન સાથે પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અખાડાના ઐતિહાસિક મહત્વ અને તેની પરંપરા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખો-ખો, કબડ્ડી, મલખંભ તેમજ રોપ મલખંભ જેવી પ્રાચીન અને પરંપરાગત ભારતીય રમતગમતોના લાઈવ પ્રદર્શનો નિહાળ્યા હતા. આ ઉપરાંત કુસ્તી સ્પર્ધા અને પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અખાડાની મુલાકાત બાદ સૌએ અખાડા પરિસરમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમની આગળની કડીરૂપે ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્ય, હસ્તકલા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી વિશેષ હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. અહીં મહેમાનોએ ઉત્સાહપૂર્વક સ્થાનિક હસ્તકલા અને કલાકૃતિઓની ખરીદી કરી હતી, જેણે સ્થાનિક કારીગરોની કળાને મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ સૌએ પરંપરાગત અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આસ્વાદ માણી પ્રાદેશિક વ્યંજનોની મહેક અનુભવી હતી.
દિવસના અંતિમ અને મુખ્ય આકર્ષણરૂપ લક્ષ્મી વિલાસ પેલેસ અને નવલખી મેદાન સ્થિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં સહભાગી થઈ સૌએ વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ગરબાની રમઝટ અને ઉત્સાહવર્ધક વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

વડોદરાની વિરાસતથી વાકેફ થયેલા વિદેશી રાજદ્વારીઓ વડોદરાની જટિલ ગરબા વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ઉત્સાહ, ઉમંગ, આરાધના અને ઉર્જાના પર્વ એવા નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે વિદેશી પ્રતિનિધિમંડળને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ..સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓ અને મહાનુભાવોએ અહોભાવ વ્યક્ત કર્યો હતો.

