દાહોદ જિલ્લાના ઐતિહાસિક અને રાજા- રજવાડાના સમયથી યોજાતા દેવગઢ બારીઆ ના દશેરા મેળા ના સ્થળ ને લઈને સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી અને આંતરિક ખેંચતાણ છતી થઈ છે. અંદરોઅંદરના સંકલનના અભાવે દશેરા મેળો શરૂ થાય તે પહેલાં જ વિવાદોના વટોળે ચડ્યો છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
તા. ૧૧ સપ્ટેમ્બર ના રોજ પોલીસ વિભાગ દ્વારા જેલ નજીકની ખુલ્લી જમીન પર મેળો યોજવા માટે ઉતાવળે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. મંજૂરી મળતાં જ સ્થળ પર સફાઈ અને જેસીબીથી કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ મંજૂરી આપ્યાના ૧૫ દિવસ બાદ સબજેલ પ્રશાસને અચાનક ઉંઘમાંથી જાગીને જેલની સુરક્ષા અને શિસ્તના કારણો ધરીને આકરો વાંધો ઉઠાવ્યો છે. સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસ વિભાગે મંજૂરી આપતા પહેલાં જેલ પ્રશાસનની સલાહ લેવાની તસદી નહોતી લીધી? બે મહત્વના સરકારી વિભાગો વચ્ચેના આ વહીવટી ગોટાળાએ તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે.
સ્થાનિક રહીશોની રજૂઆત અને દર વર્ષે શુક્રવારી પ્લોટ ખાતે ફોલ્ડિંગ શેડ માટે થતા રૂ. ૭ થી ૮ લાખના ખર્ચને બચાવવાના બહાને આ વર્ષે મેળો જેલ પાસે ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે નવા સ્થળે જેસીબી, લેવલિંગ, સફાઈ, વીજળી અને પાણી પાછળ સરકારી તિજોરીમાંથી ખર્ચાઈ ચૂકેલા નાણાં પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો હવે અંતિમ ઘડીએ સ્થળ ફરીથી બદલવામાં આવશે, તો તંત્રની આ ઉતાવળિયા નિર્ણય પ્રક્રિયાનો ભોગ પ્રજાના કરવેરાના પૈસા બનશે.

તા.૨૦ ઓક્ટોબરે યોજાનારા આ મેળામણાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આટલા ઓછા સમયમાં જો તંત્ર સ્થળ બદલવાનો નિર્ણય લેશે તો સ્ટોલ ધારકો, ખાણીપીણીના વેપારીઓ અને મનોરંજનના સાધનો લાવનારાઓ માટે ભારે આર્થિક નુકસાન અને અજંપાની સ્થિતિ સર્જાશે.
તંત્રની આ બિનકાર્યક્ષમતા અને આંતરિક મિલીભગત વગરના નિર્ણયોને કારણે દેવગઢબારીઆ ની વર્ષો જૂની ઐતિહાસિક પરંપરા જોખમમાં મુકાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ‘આંધળું બહરાને કૂટે’ જેવી સ્થિતિ સર્જનારું તંત્ર પોતાની ભૂલ સુધારીને ક્યારે આખરી નિર્ણય લે છે કે પછી વેપારીઓ અને પ્રજાને અનિશ્ચિતતાના અંધારામાં જ રાખે છે.
