
-
-
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાહન ચાલકોના જીવનની સુરક્ષાની ચિંતાઓ કરીને હાઈવે ઉપરના ખાડાઓ તાકીદે પૂરવાના આદેશો કરે એટલે જે તે તંત્રની ટીમો દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓના પુરાણો કર્યાના ફોટો સેશન જેવી તસવીરો પાડી ને મુખ્યમંત્રીના આદેશનો અમલ કર્યો હોવાના દેખાવો કરે છે. પરંતુ હાલોલથી શામળાજી જતા સ્ટેટ હાઈવે અને ગોધરાથી અમદાવાદ જતા નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓ અને રોડ ફર્નિચરના કામો કરવા તૈયાર નથી પરિણામે આ બંને હાઈવે ઉપર દરરોજ કોઈકને કોઈ ગોઝારા અકસ્માતો સર્જાતા હોય છે.પંચમહાલ કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરંપરાગત રોડ સેફ્ટી કમિટીની બેઠકો યોજાય છે જેમાં હાઈવે ઉપરના ખાડાઓ પૂરીને જરૂરી સમારકામ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સાથેના આંકડાઓ કમિટીની બેઠકમાં રજૂ કરાય છે, પરંતુ આ દાવાઓ સાચા છે કે ખોટા? તે અંગેની સ્થળતપાસો થાય છે કે નહીં એ વાહન ચાલકોને ખબર નથી અને વાહનો ખાડાઓમાં પટકાતા જ રહે છે.કાંઈક આજ પ્રકારનો એક પ્રાણઘાતક બનાવ ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ડોક્ટરના મુવાડા પાસે થયો. આ અકસ્માતમાં વાવડી ગામના ૫૫ વર્ષીય એક્ટિવા ચાલક ગણપતભાઈ ઘનાભાઈ પટેલિયા નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
ગણપતભાઈ પટેલિયા વાવડી ગામના એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેઓ રોજની જેમ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા. હાઈવે રોડ પર એક ખાડો હતો. ખાડાને કારણે તેમણે એક્ટિવા પરનો કાબૂ ગુમાવ્યો. રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું.મૃતકના પરિવારના સભ્યોએ પોતાનો પરિવારનો મોભી ગુમાવ્યો છે. પંચમહાલ પોલીસ તંત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ અકસ્માત માટે હાઈવે ઉપર પડેલા ખાડાને જવાબદાર નહીં પરંતુ મૃત્યુ પામનાર એક્ટિવા ચાલક ગણપતભાઈ પટેલિયાના બેફામ ડ્રાઈવિંગને જવાબદાર ગણવાની કાર્યવાહી કરે તેવી શક્યતા વચ્ચે પરિવારના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો છે.પરિવારના સભ્યોની માંગ છે કે નેશનલ હાઈવે પર પડેલા જીવલેણ ખાડાઓ તેમના ભોગ લઈ રહ્યા હોવાની ગંભીરતા વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટીના બેદરકાર સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી આવા બનાવો અટકાવી શકાય..
-

