સામાન્ય નાગરિકોને પોતાના નાના કામકાજ કે સરકારી યોજનાઓના લાભ માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને વહીવટી તંત્ર સામે ચાલીને લોકોના ઘર સુધી પહોંચે તેવા સંવેદનશીલ અભિગમ સાથે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામની પ્રાથમિક શાળા ખાતે ‘સેવા સેતુ કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો, પોષણ કિટ અને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકારના માનવીય અભિગમને ઉજાગર કરતા જણાવ્યું હતું કે, માતાના ગર્ભથી લઈને વ્યક્તિ વૃદ્ધ કે નિરાધાર બને ત્યાં સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ સુરક્ષા કવચ પૂરું પાડે છે. અગાઉ લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા, પરંતુ આજે સરકારી અધિકારીઓ ગામના આંગણે આવી ‘સરકાર તમારે દ્વાર’ની વિભાવના સાર્થક કરી રહ્યા છે. તેમણે ગ્રામજનોને સેવા સેતુનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો‘ અભિયાનને જન આંદોલન બનાવવા આહ્વાન કર્યું હતું. સાથોસાથ, શહેરોની જેમ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની શરૂઆત થઈ ગઈ છે તેનો ઉલ્લેખ કરી સૌને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના અલાયદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય તેમજ વૃદ્ધ પેન્શન યોજના સહિતની અનેક નાગરિકલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ અને લાભ મળે તે માટે ફોર્મ ભરાવીને સ્થળ પર જ મંજૂરી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ પારદર્શક અને ઝડપી પ્રક્રિયાથી લાભાર્થીઓના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણના અસંતુલન સામે લાલબત્તી ધરી વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે નાયબ કલેક્ટર પૂનમ પરમાર, માસર ગામના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી તંત્રના આ સેવા યજ્ઞને બિરદાવ્યો હતો.
